પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા
કોઈપણ વ્યક્તિ જ્યારે શ્રઢ મનોબળથી નક્કી ક કરે કે આનો અમલ કરીને જ જંપવું છે. ત તે થાય જ છે. એમાં પણ જ્યારે શક્તિની ઉપાસના કે એના નામ સાથે જોડાઈને વળગી પડે ત્યારે એ 'શક્તિ સદા સહાયતે' હોય જ છે. ભગવતી એ જ સંતાનને સહાય કરે જે પવિત્ર ઇરાદાથી કામ શરૂ કર. કોઇની પરવા કર્યા વિના જે સાથ આપે તેનો લે અને જે ન આપે તેની પાસે આશા ન રાખે એ કામ ભગવતી પાર પાડે જ. એના ભરોસે આદરેલું કામ ક્યારેય અધૂરું ન રહે.
માંડવી તાલુકાના દરિયાકિનારે વસેલા કાઠડા, નાના લાયજા અને પાંચોટિયા આ ત્રણે ગામ ચારણોની વસ્તી ધરાવતાં ગામ છે. ખારા પાણી અને ખારી હવા સામે ખરી મહેનત કરીને ખમતીધર બનેલા ચારણ ચોથો વેદ એટલે વણ પઢ્યો વાતું તો સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસની જ કરે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન કસાયેલી કાયાએ પાણી માટે ખૂબ સંઘર્ષ કર્યો.
સદ્ભાગ્યે આ ત્રણે ગામને યુવા નેતૃત્વ સાથે સાથ આપનારા વડીલો અને ખભેખભા મેળવીને કામ કરનારા મિત્રો મળ્યા, જેના લીધે જળ સંગ્રહ, ગૌચર અને વૃક્ષારોપણની ટકાઉ, ધારદાર અને એટલી જ અસરદાર કામગીરી લોકભાગીદારીથી કરવામાં સફળ રહ્યા. પાંચોટિયા ગામના સામતભાઈ કાયાભાઈ ગઢવી અને ખીમરાજભાઈ ભીમશીભાઈ કારીયાએ જ્યારે ગામની ધુરા સંભાળી તે સમયે ૨૦૧૯માં સરકાર દ્વારા દરિયાકાંઠાનાં ગામો માટે ક્ષાર નિયંત્રણ યોજના હેઠળ ૧૧૪ લાખના ખર્ચે ત્રણ મોટા આડબંધ બનાવેલા, જેમાં રિચાર્જ બોરવેલ પણ બનાવ્યા. તે ગામને માટે ખૂબ ઉપયોગી સાબિત થયા.
આઈ સોનલનાં સંતાનોએ ભેઠ બાંધીને પાણી માટે માની જન્મ શતાબ્દી વર્ષે વિવિધ સ્થળે પાંચ સરોવર બનાવેલા, જેમાં સોનલ સરોવર-૧ અને ૨, કેશવ સાગર, ગોકળસર અને કોટેશ્વર સરોવર બનાવીને ગામની ચારે બાજુ એક વિશાળ પાણીનો જથ્થો દરિયામાં જતો અટકાવીને ભાગીરથી કાર્ય કર્યું. જેમાં દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકભાગીદારીમાં ગામ લોકોએ રૂપિયા ૨૦,૦૦,૦૦૦થી પણ વધારે ઘરદીઠ પોતાની યથાશક્તિ ફાળો આપી ઊભી કરી.
એક ખોબા જેવડા ગામે હનુમાન છલાંગ જેવું કામ કર્યું. કેશવ સાગર માટે ગામના જ કેશવભાઈ કરશનભાઈ ભુવાએ પોતાની મહામૂલી પાંચ એકર જમીનનું ભૂમિદાન કરીને એમાં કેશવ સાગર બનાવ્યો. આજે જમીન માટે સૌ કાવા-દાવા, કેસ-કબાલા, સરકારી કે ગૌચર જમીન દબાણ કરનારને મૂંગી ટકોર જેવું કામ કર્યું છે.
ચારણોએ સદાય ગાયોનું હિત જોયું છે. તેમાં આ ગામે ૩૫૦ એકર ગૌચરમાં એક ઇંચ જમીન પણ દબાણ કર્યા વિના ગુજરાત ઇકોલોજી કમિશનના સહયોગથી ૭૦ એકર જમીનને બાવળમુક્ત કરી તેમાં ૨૫ એકર જમીનમાં જુવારનું વાવેતર કરી દર વર્ષે રરથી ૨૫ ગાડી ચારો પેદા કરી ઘાસચારા બાબતે આત્મનિર્ભર બન્યું છે. ઘાસચારો બહારથી ખરીદતા નથી. ગામનો ચારો ગામમાંથી જ પેદા કરી લે છે. તાજેતરમાં સુવિધાસભર ગૌશાળા ઊભી કરી છે. સાચા અર્થમાં ગૌપ્રેમી અને ગૌરક્ષક ગામ બન્યું.
ચારે બાજુથી ગાંડા બાવળથી ઘેરાયેલા આ ગામે મીઠા ઝાડને ઉછેરવા માટે સીતારામ મઢી બનાવી, જેમાં આલાભાઈ જેઠાભાઈએ પોતાની જવાબદારી સ્વીકારી ત્રણ એકર જેટલી જમીનમાં ૪૦ પ્રકારનાં વૃક્ષો ઉછેર્યાં કે જેમાંથી પક્ષીઓને પોતાનો ખોરાક મળે એવી એક મૌન અને શીતળ સંતોની વાડી ઊભી કરી છે.
આ સીતારામ મઢીમાં અવિરત સત્સંગ, ભજનભાવ થતા રહે. મોટી વાત એ છે કે આલાભાઈ પોતાને સરકાર તરફથી મળતાં ૧૦૦૦ રૂપિયા પણ આ વૃક્ષો પાછળ ખર્ચે છે. પક્ષી માટે ચણ, પાણીની વ્યવસ્થા કરી છે. કામમાં નિસ્વાર્થભાવ ભળે એટલે એ કર્મયોગ બની જાય ત્યારે કુદરત તેને તનની તાકાત, મનની મક્કમતા અને ધનની વ્યવસ્થા કરી જ આપે પણ આ સેવા યજ્ઞને અવિરત ચાલુ રાખવા સૌએ દિલથી દિવેલ પૂરવું ખૂબ જરૂરી છે.
Post credit : Divya Bhaskar news ગ્રામોત્થાન (માવજી બારૈયા)
Comments
Post a Comment