ન્યૂઝીલેન્ડની શિક્ષણ વ્યવસ્થા
ન્યૂઝીલેન્ડ શિક્ષણ વ્યવસ્થાની દ્રષ્ટિએ દુનિયામાં સાતમા નંબરે છે. અહીં સાક્ષરતાનો દ [ સાક્ષરતાનો દર 99 ટકા છે. આમ છતાં 14.2 ટકા પાસે જ સ્નાતક કે ઉચ્ચ શિક્ષણની લાયકાત છે. સૌથી વધારે 30.4 ટકા સેકન્ડરી શિક્ષણ મેળવે છે. 22.4 ટકા પાસે શિક્ષણની કોઈ જ ઔપચારિક લાયકાત નથી. એટલે કે સેકન્ડરી શિક્ષણ કરતાં પણ ઓછું શિક્ષણ છે. અહીં શાળા શિક્ષણ મફત અને ફરજીયાત છે.
ન્યૂઝીલેન્ડમાં 95 ટકા જેટલી શાળાઓ સરકારી છે. માત્ર 5 ટકા જેટલી જ ખાનગી છે. દરેક વિસ્તારમાં સરકારી શાળા હોય જ. જે તે વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ તે જ વિસ્તારની શાળામાં અભ્યાસ કરવો ફરજીયાત છે. તમે રહેતા હોવ એક વિસ્તારમાં અને અભ્યાસ કરવો હોય અન્ય વિસ્તારમાં તો તેમ કરી શકતા નથી.અહીં દરેક શાળાને જે તે વિસ્તારની આર્થિક આવકને આધારે રેટિંગ આપવામાં આવે છે. જે શાળા ધનિક વિસ્તારમાં હોય તેનું રેટિંગ ઊંચું હોય છે અને જેમ આર્થિક રીતે નબળો વિસ્તાર વધુ તેમ રેટિંગ નીચું હોય છે, પણ આપણે શીખવા જેવી બાબત એ છે કે અહીં ધનિક વિસ્તારમાં આવેલી શાળા કે જેનું રેટિંગ ઊંચું છે તેને સરકારી સહાય ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવે છે અને નબળા વિસ્તારમાં આવેલી શાળા કે જેનું રેટિંગ નીચું છે તેને વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
આપણે ત્યાં ઉલટું છે. નબળા વિસ્તારમાં આવેલી શાળાનું પરિણામ ઓછું આવે જ. આપણી સરકાર આવી શાળાને વધુ સહાય કરવાને બદલે તેની ગ્રાન્ટ કાપે છે, જેથી આપણી નબળી શાળાઓ વધુ નબળી બને છે. અહીં બાળક શાળામાં ગેરહાજર રહેવાનું હોય તો તેની જાણ વાલીએ શાળાને કરવી પડે છે. કોઈ બાળક સતત ત્રણ દિવસ ગેરહાજર રહે અને તેની જાણ શાળાને ન કરે તો શાળા વાલીનો ટેલિફોનિક સંપર્ક કરે છે. જો વાલીનો સંપર્ક ન થાય તો વાલીએ આપેલ ઈમરજન્સી કોન્ટેક્ટ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે અને જો ત્યાં પણ સંપર્ક ન થાય તો અંતે શાળા પોલીસને જાણ કરશે.
ક્યારેક કોઈ વાલીને પોતાનું ગામ કે શહેર છોડીને અન્ય જગ્યાએ વધુ દિવસ સુધી કુટુંબ સાથે જવાનું થાય ત્યારે તે વાલી પોતાના બાળકને જે ગામ કે શહેરમાં જાય ત્યાં જે જગ્યાએ રહે ત્યાંથી નજીકની શાળામાં બાળકને અભ્યાસ માટે મૂકી શકે છે. તે વિસ્તારની શાળાએ વિદ્યાર્થીને થોડા દિવસ માટે પણ પ્રવેશ આપવો પડે. આમ, કોઈ બાળકનો અભ્યાસ બગડતો નથી.
અહીં દરેક વર્ગ પાસે કે મેદાનમાં એક પાટલી-બેન્ચ હોય છે. તેને બડી બેન્ચ (buddy bench) - સાથીમિત્રવાળી પાટલી કહે છે. જો કોઈ વિદ્યાર્થી ઉદાસ છે, તેને કોઈ મુશ્કેલી છે, તો તે વિદ્યાર્થી આ પાટલી પર બેસે છે. આ વિદ્યાર્થીને જોઈને અન્ય વિદ્યાર્થી તેની સાથે વાત કરે છે અને તેને સહાય કરે છે.
આપણા દેશની શાળામાં કોઈ વિદ્યાર્થીએ કોઈ શાળામાં ધોરણ એકમાં 'ક' વર્ગમાં પ્રવેશ લીધો છે. તો પછી તે આગલા ધોરણમાં જાય ત્યારે દરેક વખતે વર્ગ 'ક'માં જ રહે છે. આમ તે દરેક વર્ષે એક સમાન 50-60 વિદ્યાર્થી સાથે જ રહે છે, જ્યારે ન્યૂઝીલેન્ડમાં એવું નથી. વિદ્યાર્થીનો વર્ગ દરેક વર્ષે બદલાય છે. દરેક વર્ષે નવા વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરશે. દર વર્ષે નવા મિત્રો બનશે, જેથી વિદ્યાર્થી વધુ સામાજિક બને છે. આપણે ત્યાં મોટાભાગે બે મિત્રો એક જ પાટલી પર સાથે બેસતા હોય છે, જ્યારે ન્યૂઝીલેન્ડમાં બે મિત્રોને એક પાટલી પર બેસવા દેતા નથી. અહીં વિષય શિક્ષણ કરતાં રમતગમત અને નૈતિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવે છે. માટે જ 50 લાખની વસ્તી ધરાવતો નાનો દેશ ધણી રમતમાં વિશ્વમાં નામના ધરાવે છે.
ન્યૂઝીલેન્ડની શાળાઓમાં મોટાભાગે સત્રના પ્રથમ અઠવાડિયામાં વિદ્યાર્થીઓને વન-ડે ટ્રિપ કરાવે છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ એકબીજાના પરિચયમાં આવે. સાથે પર્યાવરણ કે અન્ય મળેલ વારસાની મુલાકાત લેવડાવીને તેના પ્રત્યે સભાન કરાવે છે. વાલી પણ આવી ટ્રિપમાં સાથે જાય છે અને શિક્ષકોને મદદ કરે છે.
અશોકી : શાળા અને ઘરના સ્વતંત્ર વાતાવરણમાં જ બાળક ખીલે છે અને શક્તિ બહાર આવે છે. અન્ય સાથેની સરખામણીમાં એનું આગવાપણું દબાઈ જાય છે.
Post credit : Divya Bhaskar news, કેળવણીના કિનારેથી (Dr. Ashok Patel)
Comments
Post a Comment